આપણે બધા ઘણી બધી વાર બોલતા હોઈએ છે કે “First impression is last impression”. આ વાત ઇન્ટરવ્યુ માટે એકદમ સાચી છે.ઘણી બધી વાર સારું નોલેજ હોવા છતાં ઘણા વિદ્યાર્થીમિત્રો ઇન્ટરવ્યુમાં સારો દેખાવ કરી શકતા નથી. એજ રીતે ઘણી વાર એવરેજ નોલેજ ધરાવતા વિદ્યાર્થીમિત્રોનો ઇન્ટરવ્યુમાં દેખાવ વધારે સારો હોય છે.

 

મૂળભૂત રીતે  ઇન્ટરવ્યુમાં તમારો દેખાવ નીચે જણાવ્યા મુજબના કારણો ઉપર આધારીત હોય છે.

 

નોલેજ: કોઈ પણ કંપની માટે આ સૌથી અગત્યની જરૂરીયાત હોય છે. ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ તમારી પાસે કેટલું નોલેજ છે એ ચકાસશે. તો તમે ઇન્ટરવ્યુ માટે જતા પહેલા જેતે ટેક્નોલોજીનું રીવીજન કરીને જશો તો તમારો ઇન્ટરવ્યુમાં દેખાવ ઘણો સારો થશે. જેમ આપણે પરીક્ષા પહેલા રીવીજન કરીએ છીએ તેમ ઇન્ટરવ્યુ માટે પણ એ એટલુજ જરૂરી છે. ઘણી બધી વાર સારુ નોલેજ ધરાવતા વિધાર્થી અગર રીવીજન ના કર્યું હોય તો ઇન્ટરવ્યુમાં સારા કે સાચા જવાબો આપી શકતા નથી.

 

તમારો પહેરવેશ: એ જરૂરી નથી કે તમે બ્રાન્ડેડ કપડા પહેરીને જ ઇન્ટરવ્યુ આપો પણ હા એ ચોક્કસ જરૂરી છે કે તમે સુઘડ અને ચોખ્ખા કપડા પહેરીને જ ઇન્ટરવ્યુ આપો. પુરુષે પેન્ટ અને શર્ટ પહેરવા જોઈએ જયારે મહિલાએ ઇન્ટરવ્યુને અનુરૂપ કપડા પહેરવા જોઈએ.

 

તમારા મોજા પણ ધોયેલા હોવા જોઈએ. ઘણી વાર એ.સી ઓફીસમાં  ભીના કે ધોયા વગરના મોજાની વાસને લીધે ઇન્ટરવ્યુ આપનારને સંકોચનો સામનો કરવો પડતો હોય છે. આજ રીતે માઈલ્ડ ડીઓ / પર્ફૂમ લગાડીને જવાથી ઇન્ટરવ્યુ વખતે પરસેવાની વાસને લીધે સંકોચનો સામનો કરવો પડતો નથી.

 

આત્મવિશ્વાસ: તમને આવડતા બધા સવાલોના જવાબો પૂરતા આત્મવિશ્વાસ સાથે આપો. એજ આત્મવિશ્વાસ સાથે તમે નહિ આવડતા સવાલો માટે ઇન્ટરવ્યુ લેનારને જણાવો કે તમને જવાબ ખ્યાલ નથી. હંમેશા યાદ રાખો કે ઇન્ટરવ્યુ લેનારને સાચો જવાબ આવડતો હોય  છે.

 

ભાષા: હું સમજુ છુ કે આ બ્લોગ વાંચનારની માતૃભાષા ગુજરાતી હશે પણ સાથે સાથે આપણે એ પણ સમજવું જરૂરી છે કે અંગ્રેજી ઈન્ટરનેશનલ ભાષા છે.

 

જો તમે અંગ્રેજીમાં બોલી શકતા હો તો તમે અંગ્રેજીમાં જ ઇન્ટરવ્યુ આપો. યાદ રાખો કે આગળ જઈને જોબ દરમ્યાન તમારે ક્લાયન્ટ સાથે અંગ્રેજીમાં જ વાતચીત કરવાની થશે. ઇન્ટરવ્યુ લેનારને ગમશે કે તમે અંગ્રેજીમાં એમની જોડે વાત કરો.

 

અંગ્રેજીમાં ઇન્ટરવ્યુ આપી શકો એના માટે રાતોરાત તો કંઈ ના થઈ શકે. એટલે તમારા કોલેજકાળ દરમ્યાન અંગ્રેજીના કલાસીસ કરીને તમારા અંગ્રેજીને ધારદાર બનાવો.મોટા ભાગની કંપનીઓ ફોરેન ક્લાયન્ટ માટે પ્રોજેક્ટ બનાવતી હોય છે. આ બધી કંપનીઓમા કામ કરનારને  અંગ્રેજીનું જ્ઞાન હોવું ખુબજ જરૂરી છે.

 

“જાગ્યા ત્યારથી સવાર”. જો તમારું અંગ્રેજીનું જ્ઞાન એવરેજ હોય તો એક પણ દિવસ બગાડ્યા વગર આજ / હમણા જ કોઈ સારા અંગ્રેજી ક્લાસ કે પછી અંગ્રેજી ટીચર પાસે કોચિંગ ચાલુ કરી દો. આપણે બધાએ એ સમજવું પડશે કે કોમ્પુટર શાખામા અંગ્રેજીના જ્ઞાન વગર આગળ વધવું લગભગ અસંભવ છે.

 

બોલવાની લઢણ: ઇન્ટરવ્યુ દરમ્યાન આપણો ટોન માફકસર નીચો હોવો જોઈએ. ઘણી વાર ઉચા ટોનમા વાત કરવાથી ઇન્ટરવ્યુ લેનાર એનો જુદો મતલબ કાઢતા હોય છે. ઉપરાંત આપણે જે પણ ભાષામા વાત કરીએ એ બની શકે તો શુધ્ધ રીતે બોલવાથી એની સારી અસર પડે છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ ભાષા આપણા તળપદી ઉચ્ચારોમા બોલતા હોઈએ છે.